Sunday, July 31, 2016

HISTORY OF GUJARAT

ગુજરાતનો ઇતિહાસ
દેશ અને દુનિયા સમક્ષ ગુજરાતની અનોખી ઓળખ ઊભરી રહી છે. ગુજરાતની આજની અનેરી ઓળખ પાછળ વર્તમાન ઉપરાંત તેનો ભવ્ય ઇતિહાસ ખડો છે. ગુજરાતની અસ્મિતા તેના ગૌરવવંતા ઇતિહાસને કારણે વિશેષ ઉલ્લેખનીય છે.
માનવીએ લિપિ દ્વારા અભિવ્યક્તિની શરૂઆત કરી. શરૂઆતમાં ચિત્ર દ્વારા માનવીએ પોતાના મનની વાતને આલેખવા પ્રયત્નો કર્યા. ભાષા અને લિપિએ  માનવીના જીવનમાં અભિવ્યક્તિને આસાન બનાવી. આમ, પોતાનાં વિચારો, સંવેદનો, કાર્યો, અવલોકનોને … ટૂંકમાં, સૃષ્ટિના, જીવનના ધબકારને માનવી આલેખતો ગયો. તે થકી ઇતિહાસ રચાતો ગયો.
ઇતિહાસની પહેલાં તે પ્રાગૈતિહાસ અથવા પ્રાક્-ઇતિહાસ. પ્રાક્ અર્થાત્ પૂર્વે અથવા પહેલાનું.
ઇતિહાસ પહેલાનો સમય તે પ્રાગૈતિહાસિક કાળ.
સામાન્ય રીતે ઇતિહાસ લેખિત પ્રમાણો પરથી આલેખાતો હોય છે. જ્યારે પ્રાગૈતિહાસમાં જગત કે જીવનના અતીતનું પ્રમાણ લેખિત સ્વરૂપમાં ઉપલબ્ધ નથી હોતું, પરંતુ ભૂતકાળનાં અવશેષો-ચિહ્નો તો મળતાં હોય છે. આ અવશેષો મૃતદેહરૂપે અથવા માનવીએ સર્જેલ કે ઉપયોગમાં લીધેલ વસ્તુના રૂપે હોય છે. ડાયનાસુરના અશ્મીઓ   પ્રાગૈતિહાસિક કાળના છે. એક સ્વીકાર્ય મત પ્રમાણે આશરે પાંચેક હજાર વર્ષ અગાઉનો સમય પ્રાગૈતિહાસિક કાળ ગણાય છે, પરંતુ તેમાં દેશ-પ્રદેશ અનુસાર મતભેદ હોઈ શકે.
ગુજરાતનો  પ્રાગૈતિહાસિક કાળ ત્રણ યુગમાં વિભાજિત કરી શકાય :
(1) અશ્મયુગ  (2) અશ્માયસયુગ. (3)  લોહયુગ.
જોકે પ્રાગૈતિહાસિક કાળને આમ પેટા-યુગોમાં સ્પષ્ટતાપૂર્વક વિભાજિત કરવા પડકારરરૂપ જ નહીં, વિવાદાસ્પદ પણ હોય છે. આપણે પ્રાથમિક જાણકારી પૂરતું તેને સીમિત રાખીશું.
અશ્મયુગમાં બહુધા પાષાણનો ઉપયોગ છે. આશરે બે લાખથી વીસ લાખ વર્ષો પૂર્વે  માનવી માત્ર પત્થરનાં ઓજારો વાપરતો. તે જ હતો અશ્મયુગ. કાળક્રમે માનવીએ આ પાષાણ-ઓજારો બે ધારવાળાં બનાવ્યાં. આ સમય લઘુઅશ્મયુગ કે અંત્યાશ્મયુગ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં તેના અવશેષો મળ્યા છે. આ યુગ આશરે દસેક હજાર વર્ષ પૂર્વે આરંભાયો હશે તેવી માન્યતા છે.
ગુજરાતમાં લોથલ, ધોળાવીરા આદિ સ્થળોએથી પથ્થર ઉપરાંત તાંબાનાં સાધન મળેલ છે. આ સાથે પ્રતીક સ્વરૂપમાં લેખિત પ્રમાણો પણ મળેલ છે. તેની પ્રતીક-લિપિ ઉકેલવાના પ્રયત્નો ચાલુ છે. આ કાળ   તામ્રાશ્મયુગ તરીકે જાણીતો છે. વળી તત્કાલીન માનવજીવનને વિશે સમજી શકાય તેવાં પ્રમાણો મળ્યાં હોવાથી આ યુગને  ઇતિહાસના અભ્યાસના પ્રથમ ચરણમાં મૂકવામાં આવે છે. તેથી તેને આદ્ય ઐતિહાસિક કાળ પણ કહેવામાં આવે છે. લોહયુગનો આરંભ ત્રણેક હજાર વર્ષ પહેલા થયો હોવાનું સંશોધકો કહે છે. ગુજરાતમાં વિશ્વસનીય પ્રમાણો સાથેનો સુનિશ્ચિત ઇતિહાસ આશરે 2300 વર્ષ અગાઉ આરંભાય છે.
ગુજરાતમાં મૌર્યયુગના શાસનના સ્પષ્ટ પુરાવા ઉપલબ્ધ છે. ચંદ્રગુપ્ત મૌર્ય (ઈ.પૂ. 322-298) ઉત્તર ભારતમાં મૌર્ય વંશનો સ્થાપક સમ્રાટ. તેણે ભારતવર્ષના ઘણા પ્રદેશોમાં સત્તા ફેલાવી હતી. ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યપાલ પુષ્યગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વત પર સુદર્શન જળાશય બંધાયું હોવાનો શિલાલેખ મળેલ છે. ચંદ્રગુપ્ત મૌર્યનો પૌત્ર સમ્રાટ અશોક ( ઈ.પૂ. 293–237). મૌર્ય વંશના આ સુપ્રસિદ્ધ શાસક સમ્રાટ અશોકના શિલાલેખો સૌરાષ્ટ્રમાં જૂનાગઢના ગિરનાર પર્વતના માર્ગ પર મળી આવ્યા છે.
ઈસવીસનની શરૂઆત પછી પણ ગુજરાતનો ઇતિહાસ યશસ્વી છે. ઈ.સ. 470માં ગુજરાતના ભાવનગર નજીક વલભીમાં શૈવધર્મી મૈત્રક કુળની સ્થાપના મહત્ત્વનો બનાવ છે. સાતમી સદીમાં ચીની યાત્રી હ્યુ એન સંગની ભારતની યાત્રાની નોંધ ઉપયોગી છે. આ મહાન ચીની મુસાફર હ્યુ એન સંગ (ઉચ્ચારભેદ રહે છે: હુવેન શ્યાંગ) ગુજરાત પણ આવ્યા હતા. તેમણે વલભીની સમૃધ્ધિ તેમજ વલભીની વિદ્યાપીઠનું સવિસ્તર વર્ણન કરેલ છે.
છેલ્લાં હજાર વર્ષના ગુજરાતના ઇતિહાસમાં સિદ્ધરાજ જયસિંહનું સામ્રાજ્ય, મોગલ શાસન તથા મરાઠા સત્તા ઉપરાંત પણ ઘણી બધી નોંધપાત્ર ગાથાઓ  છે. ગુજરાતનો ગૌરવવંતો ઇતિહાસ રાજકીય ક્ષેત્રે જ નહીં, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ સમગ્ર ભારત દેશને પ્રેરક બની રહે છે.
પ્રાચીન ભારતવર્ષના ઇતિહાસમાં, ઉત્તરનાં મગધ અને લિચ્છવીઓનાં રાજ્યો ઉલ્લેખનીય ગણાતાં. આશરે 2300 વર્ષ અગાઉ મેસેડોનિયા-ગ્રીસના સમ્રાટ એલેકઝાંડરની હિંદ પર ચઢાઈ એક મહત્ત્વપૂર્ણ ઘટના હતી. એલેકઝાંડરે ઉત્તર ભારતમાં જીત તો મેળવી, પરંતુ તેના મૃત્યુ સાથે ભારતમાં ગ્રીસની સત્તા નામશેષ થતી ગઈ.

તે સમયે ચંદ્રગુપ્ત મૌર્ય નામે સમર્થ રાજવી ઉત્તર ભારતના મગધ રાજ્ય (હાલ બિહારનો પ્રદેશ)ની ગાદી પર આવ્યો. ચંદ્રગુપ્ત મૌર્ય – ઈ.પૂ. 322-298 – ભારતના ઇતિહાસનો પ્રથમ ચક્રવર્તી, સમર્થ સમ્રાટ ગણાય છે. શોણ (સોન) અને ગંગાના સંગમ પર પાટલીપુત્ર તેની રાજધાની. તેણે ઉત્તરમાં એલેકઝાંડરના પ્રતિનિધિ સમા ગ્રીક શાસનના સુબા સેલ્યુકસને હરાવી ગ્રીક સત્તાનો અંત આણ્યો. ઉપરાંત ચંદ્રગુપ્તે ભારતના અન્ય ઘણા પ્રદેશો જીતીને મૌર્ય રાજ્યનો વિસ્તાર કર્યો. ચંદ્રગુપ્ત મૌર્યની સત્તા ગુજરાત સુધી ફેલાયેલી હતી. ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર બિંબિસાર. બિંબિસારને ઘણા પુત્રો હતા. તે પૈકી અશોક પ્રભાવશાળી હતો જે બિંબિસારના મૃત્યુ પછી ગાદીએ આવ્યો. સમ્રાટ અશોક ( ઈ.પૂ. 293–237)ના નામ સાથે આપણને કલિંગના યુદ્ધની અને અશોકના હૃદયપરિવર્તનની વાત યાદ ન આવે?
સમ્રાટ અશોકે પ્રજાવત્સલ, ધર્મપ્રેમી રાજવી તરીકે નામના મેળવી. અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પ્રયત્નો કર્યા. અશોકે સ્તંભો, ખડકો અને ગુફાની ભીંતો પર લેખો કોતરાવ્યા. ઉત્તરમાં હિમાલયથી દક્ષિણમાં મૈસુર સુધી તથા પૂર્વમાં બંગાળના ઉપસાગરથી પશ્ચિમમાં અરબી સમુદ્ર સુધી આવા ત્રીસેક લેખો મળી આવ્યા છે. તે લેખો પરથી અશોકના શાસન, રાજ્યનીતિ તથા વિચારો અંગે  માહિતી મળે છે.
ગુજરાતમાં જૂનાગઢ પાસે ગિરનાર પર્વત પરનો શિલાલેખ ગુજરાતમાં અશોકના શાસનનો પુરાવો છે.
મૌર્યકાળના અન્ય રાજાઓના ગુજરાત પરના શાસનના નોંધપાત્ર પુરાવા નથી.
ઈ.પૂ. 185ના અરસામાં મૌર્ય શાસનનો અંત આવ્યો. ઉત્તર ભારતમાં મૌર્ય શાસનના અંત સાથે ગુજરાતમાં પણ શાસકો બદલાયા હોવાનું મનાય છે.
મૌર્યયુગ પછીની કેટલીક સદીઓ વિશે સ્પષ્ટ માહિતી નથી મળતી. આ અરસામાં ભારત પર વિદેશી શાસકોનો પ્રભાવ વધતો ચાલ્યો. આ અંગે વિદ્વાનો વચ્ચે મતભેદ પ્રવર્તે છે. ઉત્તર ભારતમાં સુંગ અને કણ્વ વંશોના શાસનના ઉલ્લેખ છે.
નવું ઉદય પામેલ કુષાણ સામ્રાજ્ય ભારતમાં વિસ્તાર પામતું ગયું. વિજેતા રાજા નવા જીતાયેલા પ્રદેશમાં શાસન ચલાવવા પોતાના પ્રતિનિધિરૂપ રાજ્યપાલને નીમતા. શક્તિશાળી કુષાણ રાજ્યકર્તાઓના ક્ષત્રપો (ક્ષત્રપ એટલે રાજ્યપાલ) તરીકે શકો પશ્ચિમ ભારત પર રાજ્ય કરવા લાગ્યા.

આ કાળ શક–ક્ષત્રપ કાળ તરીકે ઓળખાય છે. આ રાજાઓ જે સંવત વાપરતા તે શક સંવત તરીકે ઓળખાય છે. શક સંવતનો આરંભ ઈ. સ. 78માં થયો હોવાનું મનાય છે. બે મહત્ત્વના ક્ષત્રપો તરીકે ભૂમક અને મહાક્ષત્રપ નહપાનનાં નામો જાણીતાં છે. નહપાનની સત્તા રાજપુતાના (રાજસ્થાન)થી દક્ષિણે પૂના સુધીની હતી તેમ મનાય છે. કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર) પર પણ તેની આણ હતી. તે ક્ષત્રપ રાજાઓ કુષાણ સામ્રાજ્યના આધિપત્ય નીચે હશે તેવી માન્યતા છે. ગુજરાતના ઇતિહાસમાં મહાક્ષત્રપ ચષ્ટાન તથા તેના પૌત્ર રુદ્રદામાનાં નામો જાણીતાં છે. ચષ્ટાનના સમયના ચાંદી તથા તાંબાના સિક્કા ગુજરાતમાં મળી આવ્યા છે. આ સિક્કાઓ પર ગ્રીક તથા બ્રાહ્મી લિપિમાં લખાણ છે. રુદ્રદામા માળવાનો રાજા હતો. તેની રાજધાની ઉજ્જયિની(ઉજ્જૈન)માં હતી. ઈ. સ. 150માં તેના રાજ્યપતિ – પ્રતિનિધિ શાસક –એ સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વત પરના સુદર્શન જળાશયની સુધારણા કરાવેલી.
ગુજરાતમાં સૌથી પ્રાચીન શિલાલેખ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ-ગિરનારના માર્ગ પર દામોદર કુંડની પશ્ચિમ દિશાએ એક મોટી શંકુ આકારની શિલા (ખડક કે ચટ્ટાન) પર કોતરેલો છે. ઈ.સ. 1822માં બાહોશ બ્રિટિશ ઓફિસર કર્નલ ટોડ તેને પ્રકાશમાં લાવ્યા ત્યારે તે ખડક જંગલ-ઝાડીઓથી ઘેરાયેલો હતો. આ શિલાલેખ પર મૌર્ય સમ્રાટ અશોકના ચૌદ જેટલા ધર્મલેખો છે. પ્રાકૃત ભાષાના આ લેખો શિલા પર બ્રાહ્મી લિપિમાં કોતરાવેલા છે. બે હજાર વર્ષ પછી પણ તે સુવાચ્ય રહી શક્યા તે નવાઈની વાત !
આ જ ખડક પર ઉચ્ચ સંસ્કૃત ભાષામાં ગદ્યમાં લખાયેલ ક્ષત્રપકાલીન લેખ છે જેમાં મહાક્ષત્રપ રુદ્રદામા તથા ગિરિનગર (ગિરનાર-જૂનાગઢ)ના સુદર્શન તળાવનો ઉલ્લેખ છે. તે જ ખડક પર કોતરાયેલો એક અન્ય લેખ ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના સમય (ઈસુની પાંચમી સદી)નો છે. ગુજરાતમાં ક્ષત્રપ-કાળ દરમ્યાન ઉત્તર ભારતમાં ગુપ્ત વંશનો ઉદય થયો. મગધની ગાદી પર ચંદ્રગુપ્ત પહેલાએ ગુપ્ત વંશને સ્થાપિત કર્યો. તે સમય લગભગ ઈસુની ચોથી સદીના આરંભનો.
ચંદ્રગુપ્ત પહેલાના પુત્ર સમુદ્રગુપ્તના શાસનમાં (આશરે ઈ.સ. 330થી 370) ગુપ્ત રાજ્યનો વિકાસ થયો. સમુદ્રગુપ્ત બહુમુખી પ્રતિભા ધરાવતો આદર્શ રાજવી હતો. તેના પૌત્ર ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે ઈ.સ. 401ના અરસામાં માળવા જીત્યું, ત્યારે ગુજરાતમાં શર્વ ભટ્ટારકનું શાસન હતું. ગુજરાતમાં ક્ષત્રપ સત્તાના અંત અને ગુપ્ત શાસનના ઉદય વચ્ચેના સમયમાં શર્વ ભટ્ટારક રાજ્યકર્તા હોવાનું મનાય છે.

પાંચમી સદીના છેલ્લા દશકાઓમાં ગુપ્ત સામ્રાજ્ય તૂટતું ચાલ્યું. ગુજરાતમાં પણ કેટલાક પ્રદેશો સ્વતંત્ર થવા લાગ્યા. ત્યારે મૈત્રક કુળના સેનાપતિ ભટાર્ક દ્વારા વલભી (ભાવનગર નજીક વલભીપુર કે વળા)માં સ્વતંત્ર રાજ્યની સ્થાપના થઈ. આ સમયગાળાનો આધારભૂત લેખિત ઇતિહાસ નથી તેથી વંશાવળી, રાજ્યકર્તાઓનાં નામ, સત્તાના વિસ્તાર, સ્થળ અને સમય વિશે મતભેદ રહેવાના તે આપ યાદ રાખશો.
ગુજરાત એટલે કયો પ્રદેશ ?
આજે અંબાજીથી લઈને ઉમરગામ સુધીનો પ્રદેશ તે આપણું અર્વાચીન ગુજરાત છે. પણ પંદરસો વર્ષ પહેલાં ગુજરાત શબ્દ તો શું, ગુર્જર શબ્દનુંયે અસ્તિત્વ જ ન હતું. ઈસુની પાંચમી-છઠ્ઠી સદીમાં ગુર્જર શબ્દ પ્રથમ વખત ઉલ્લેખમાં આવ્યો. પણ આ ગુર્જર તરીકે ઓળખાયેલો પ્રદેશ કયો?. આપ કલ્પી પણ નહીં શકો કે અસલ ગુર્જરમાં આજે આપણે જેને ગુજરાત કહીએ છીએ તેનો ઉત્તરનો એક હિસ્સો માત્ર હતો.
પંદરસો વર્ષ પહેલાં નાનકડા ગુર્જરદેશની ભૂમિની સીમા ઉત્તરે રાજપુતાના (રાજસ્થાન)માં જોધપુરના પ્રદેશથી લઈને નીચે દક્ષિણે હાલના ઉત્તર ગુજરાતમાં સરસ્વતી નદીને કિનારે પૂરી થતી. તેમાં જોધપુર – ઝાલોર – આબુ પર્વત (અર્બુદગિરિ)ના વિસ્તાર સમાવિષ્ટ હતા. ત્યારે ગુર્જરનું પાટનગર (રાજધાની) રાજપુતાના (રાજસ્થાન) પ્રદેશમાં ભિલ્લમાલ કે ભિનામાલ કે શ્રીમાલ નામે ઓળખાતું નગર હતું. ભિલ્લમાલ આબુથી પશ્ચિમે લગભગ પચાસેક માઈલના અંતરે હતું. આ આપણા માત્ર ગુર્જર તરીકે ઓળખાયેલા પ્રદેશનું પ્રથમ અસ્તિત્વ. આ ગુર્જર દેશની આસપાસના પ્રદેશો કયા કયા હતા ? આપણે તેમનાં પ્રાચીન નામો પણ જાણવાં જોઈએ.
પૂર્વમાં માળવા અથવા માલવ પ્રદેશ(આજે મધ્યપ્રદેશના ઉજ્જૈન-ધારનો પંચમહાલ-વડોદરા તરફ લંબાતો વિસ્તાર). રાજપુતાનાથી દક્ષિણે નીચે આવેલો એટલે આનર્ત પ્રદેશ (આજે ઉત્તર ગુજરાત), બાજુમાં કચ્છ જે પહેલાં પણ તે જ નામથી ઓળખાતું. કાઠિયાવાડના બે ભાગ વલભી (વળા-ભાવનગર) અને સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર). તે સમયે અમદાવાદ વસ્યું ન હતું. અમદાવાદ નજીકના અસલાલી પાસેનો પ્રદેશ તે આશાપલ્લી. સાબરમતીથી મહી વચ્ચેનો ભાગ તે ખેટક પ્રદેશ (આજે ખેડા). મહી નદીથી નર્મદાતટનો વિસ્તાર માલવ પ્રદેશનો હિસ્સો (આજે વડોદરા-ભરૂચ), તેની દક્ષિણે ભૃગુકચ્છ તે નર્મદા તટ – ભરૂચથી વલસાડનો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર જેને આપણે પાછળથી લાટ પ્રદેશ તરીકે ઓળખ્યો. ત્યાંથી નીચે નાસિક્ય પ્રદેશ જે આજે નાસિક-મહારાષ્ટ્રનો ભાગ છે.
હિંદુસ્તાનમાં ઈ.સ. 320થી લગભગ ઈ.સ. 500 સુધી ગુપ્ત સામ્રાજ્યનું શાસન રહ્યું. પડતીના છેલ્લા થોડાક દાયકાઓને બાદ કરતાં ગુપ્ત સમ્રાટોનો બાકીનો શાસનકાળ સુવર્ણયુગ સમો ગણાય છે. આ દરમ્યાન અહીં વૈષ્ણવ (ભાગવત) સંપ્રદાયનો પ્રસાર થયો.
પાંચમી સદીના ઉત્તરાર્ધમાં ગુપ્ત સામ્રાજ્ય નબળું પડતું ગયું. તેની સત્તા નીચેના પ્રદેશો સ્વતંત્ર થવા લાગ્યા. ગુજરાતમાં, સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં આવેલા વલભીમાં સ્વતંત્ર રાજ્ય સ્થપાયું. આ વલભી એટલે આજના ભાવનગર પાસેનો વલભીપુર કે વળાનો પ્રદેશ. એક માન્યતા પ્રમાણે ઈ.સ. 470 ની આસપાસ મૈત્રક કુળના સેનાપતી ભટાર્ક દ્વારા વલભીનું સ્વતંત્ર રાજ્ય સ્થપાયું. જોતજોતામાં વલભી રાજ્ય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી ફેલાયું.
છઠ્ઠી સદીના મધ્યભાગમાં રાજા ગુહસેન તેમજ ઈ.સ. 595-612 દરમ્યાન શીલાદિત્ય પહેલાનું શાસન નોંધપાત્ર રહ્યું. શીલાદિત્ય ધર્માદિત્યે વલભીની સત્તાને માળવા (માલવ પ્રદેશ) સુધી વિસ્તારી.
વલભીના રાજા ધ્રુવસેનની કીર્તિ તો હિંદભરમાં એવી પ્રસરી કે ઉત્તર ભારતના મહાપ્રતાપી ચક્રવર્તી સમ્રાટ હર્ષવર્ધનની પુત્રી તેમની મહારાણી બની. તેમના રાજ્યકાળ દરમ્યાન મશહૂર ચીની મુસાફર યુઆન શ્વાંગ (ઉચ્ચારભેદ રહે છે: હ્યુ એન સંગ કે હુવેન શ્યાંગ) હિંદુસ્તાનના પ્રવાસે આવ્યા હતા.
ઈ.સ. 640માં યુઆન શ્વાંગ ગુજરાતમાં વલભીની મુલાકાતે આવ્યા. તેમણે વલભીનું સુંદર અને વિસ્તૃત ચિત્ર આલેખ્યું છે. વલભી વેપાર-વાણિજ્યથી સમૃદ્ધ થયેલ નગરી હતી. અહીંના સાહસિક વેપારીઓ દેશ-વિદેશમાં વેપાર ચાલવતા. ધનિકોનાં વૈભવી મહાલયોનો પાર ન હતો. વલભીમાં અસંખ્ય બૌદ્ધ વિહારો અને દેવાલયો પણ હતાં. આ ઉપરાંત વલભીમાં સંસ્કારીનગરીને છાજે તેવું વિદ્યાધામ હતું. વલભીની વિદ્યાપીઠની ખ્યાતિ વિદેશોમાં વિસ્તરેલી હતી. વલભી વિદ્યાપીઠની ગણના મગધની નાલંદા વિદ્યાપીઠ સાથે થતી. વલભીના દરબારમાં પ્રખર જ્ઞાની પંડિતો બિરાજતા. મૈત્રક કુળના માહેશ્વર શાસકો શૈવ ધર્મી હતા. આમ છતાં આ સમયે ગુજરાતમાં શૈવ ઉપરાંત વૈષ્ણવ, બૌદ્ધ અને જૈન ધર્મોનો ફેલાવો થયો.
વલભીનું મૈત્રક કુળનું સામ્રાજ્ય ત્રણ સદી સુધી ટક્યું. ઈ.સ. 788માં સિંધ પ્રદેશના અરબોએ ગુજરાત પર ચડાઈ કરી. આ સાથે વલભીમાં મૈત્રક સામ્રાજ્યનો અંત આવ્યો. આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર નજીક વળા ગામ પાસે સમૃદ્ધ નગરી વલભીપુરનાં ખંડેરો ઊભાં છે.

સાતમી સદીથી નવમી સદી સુધીના ગુજરાતના ઈતિહાસમાં પ્રતિહાર તથા રાષ્ટ્રકૂટ વંશોનાં શાસન ઉલ્લેખનીય છે. સાતમી સદીમાં આરબ સેનાપતિઓની બૂરી નજર હિંદુસ્તાન પર ઠરી. ઈ.સ. 711માં આરબોના હાથે સિંધનો બ્રાહ્મણ રાજા હાર્યો અને ઈસ્લામ હવે હિંદુસ્તાનના દરવાજે આવી પહોંચ્યો. જોતજોતામાં આરબોએ રાજપુતાના અને ગુર્જર પ્રદેશ પર હુમલા કર્યા.
આ અરસામાં ગુર્જર દેશની ધુરા પ્રતિહાર વંશના નાગભટ પહેલા (રાજ્યકાળ: ઈ.સ. 725 – 756)ના હાથમાં આવી. આ પ્રતાપી રાજાએ આરબ હુમલા મારી હઠાવ્યા અને ગુર્જર દેશની ઇજ્જત પુન: સ્થાપિત કરી.
પ્રતિહાર વંશની આણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પર ફેલાતી હતી ત્યારે દક્ષિણમાં રાષ્ટ્રકૂટ વંશની સત્તા ફેલાઈ રહી હતી. રાષ્ટ્રકૂટોના પૂર્વજ કદાચ મહારાષ્ટ્ર-આંધ્ર પ્રદેશ તરફના કન્નડભાષી હતા. રાષ્ટ્રકૂટ કુળમાં દંતીદુર્ગ (રાજ્યકાળ: ઈ.સ. 745-757)નું નામ જાણવું જોઈએ.
તેણે નવસારી-ભરૂચનો લાટ પ્રદેશ જીતી આગળ ખેટક મંડળ વિસ્તારો પણ જીત્યા. તેણે ગુર્જર પ્રતિહાર રાજા નાગભટને હરાવી તેની રાજધાની ઉજ્જયીની કબજે કરી. દંતીદુર્ગનું માત્ર બત્રીસ વર્ષની યુવાન વયે મૃત્યુ થયું. પ્રતિહાર વંશમાં નાગભટના એક વંશજ રાજવી નાગભટ બીજા(રાજ્યકાળ ઈ.સ. 792-834)નો ઉલ્લેખ કરવો રહ્યો. ઈ.સ. 792માં નાગભટ બીજાએ ગાદી સંભાળી. તેણે ઘણી લડાઈઓ લડી ગુર્જર દેશનો વિસ્તાર કર્યો અને સમ્રાટપદ પ્રાપ્ત કર્યું.
આ મહાપ્રતાપી ગુર્જર પ્રતિહાર સમ્રાટ આશરે 42 વર્ષ રાજ્ય કરી ઈ.સ. 834માં મૃત્યુ પામ્યો. તેનું સામ્રાજ્ય પશ્ચિમે મુલતાન-સિંધની સરહદથી લઈ પૂર્વમાં બંગાળ સુધી તેમજ ઉત્તરે હિમાલયથી માંડી દક્ષિણે મહી નદી સુધી વિસ્તરેલું હતું.
નાગભટ બીજાના રાજ્યકાળમાં સમગ્ર ભારતવર્ષમાં ગુર્જર દેશનું સામ્રાજ્ય સૌથી વિશાળ હતું.
ગુજરાતમાં ચાવડા વંશના રાજાઓ, તેમની વંશાવલિ તથા કાળક્રમ વિશે મતભેદ ઘણા છે. સાક્ષર શ્રી કનૈયાલાલ મુનશીએ પોતાનાં પુસ્તકોમાં જે ગ્રંથોનો આધાર લીધો છે, તેમાં કવિ મેરુતંગ ના ‘પ્રબંધ ચિંતામણી’, કૃષ્ણજી કવિનાં ‘રત્નમાલા’, ‘ધર્મારણ્યમાહાત્મ્ય’, ‘સ્કંદપુરાણ’ આદિનો સમાવેશ થાય છે. આ ગ્રંથોમાં ચાવડાવંશ વિશે સર્વસંમત વિગતો મળતી નથી.

સાતમી સદીના અંતભાગમાં ઉત્તર ગુજરાતના પંચાસર રાજ્ય પર શૂરવીર રાજા જયશિખર (જયશિખરી)નું શાસન હતું. એક યુદ્ધમાં જયશિખર બહાદૂરીપૂર્વક લડીને વીરગતી પામ્યો. પંચાસરનું પતન થયું (ઈ.સ. 696). મૃત્યુ પામતાં પહેલાં જયશિખરે પોતાની ગર્ભવતી રાણીને જંગલમાં સુરક્ષિત મોકલી આપી. રાણીએ વનમાં પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ વનરાજ પાડવામાં આવ્યું. રાજકુમાર વનરાજ  વનમાં મોટો થવા લાગ્યો. અણહિલ ભરવાડ અને ચાંપો નામે એક વાણિયો. આ બે મિત્રોની મદદથી વનરાજે સંપત્તિ અને લશ્કર ભેગાં કર્યાં. વનરાજ ચાવડાની સત્તા વિસ્તરવા લાગી.  રાજા બનીને તેણે પોતાના બંને મિત્રોનું  ઋણ ચૂકવ્યું.
સરસ્વતી નદીને કિનારે વનરાજે અણહિલ્લપાટક (અણહિલવાડ) નામે પત્તન (પાટણ) વસાવ્યું (ઈ.સ. 746… કે 765?) આ શહેર વનરાજ ચાવડાની રાજધાની બન્યું. પોતાના બીજા મિત્ર ચાંપાના માનમાં તેણે પાવાગઢની તળેટીમાં ચાંપાનેર શહેર વસાવ્યું. એવું મનાય છે કે વનરાજ ચાવડાએ 60 વર્ષ રાજ્ય કર્યું અને 108 વર્ષની ઉંમરે તેનું મૃત્યુ થયું. વનરાજ ચાવડાના વંશમાં બીજા છ-સાત રાજાઓ થઈ ગયા પણ તેમાંથી કોઈ પ્રભાવશાળી ન નીવડ્યું. ચાવડા વંશના શાસન દરમ્યાન શંકરાચાર્યજીએ દ્વારકા મઠની સ્થાપના કરી. આ સમયગાળામાં ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો રૂંધાયો, પરંતુ જૈન ધર્મ પ્રચલિત થયો. વનરાજ ચાવડાએ સ્થાપેલ પાટણ (અણહિલપુર પાટણ) તે પછીની સાતેક સદીઓ સુધી ગુજરાતની રાજધાનીનું શહેર બની રહ્યું. લગભગ બે સદી ગુજરાત પર સત્તા ભોગવ્યા પછી, ઈ.સ. 942માં ચાવડા વંશનો અંત આવ્યો. પાટણ પર સોલંકી વંશની સત્તા સ્થપાઈ.
નવમી સદીમાં કાન્યકુબ્જ (કનોજ)ની ગાદી પર ઇક્ષ્વાકુ (?) વંશના મિહિરભોજ નામના રાજાએ સત્તા સંભાળી. તેણે ગુર્જર દેશના ઘણા પ્રદેશો પર અંકુશ મેળવ્યો.
મિહિરભોજના સમયમાં દક્ષિણમાં રાષ્ટ્રકુટ વંશમાં અમોઘવર્ષ નામે પ્રતાપી રાજા થઈ ગયો. તેના નામ- વંશ- રાજ્યકાળ- શાસન વિષે ઘણા મતભેદો છે. ભોજ નામ સાથે ઘણા રાજાઓનાં નામ જોડાયેલાં હોવાથી મિહિરભોજ વિષે ઘણી ગેરસમજ ઊભી થયેલ છે. સર્વસ્વીકૃત વાત એ છે કે નવમી સદીમાં ગુર્જર દેશના કેટલાય પ્રદેશો પર મિહિરભોજ નામના મહાસમર્થ રાજાની આણ પ્રવર્તી રહી.


મિહિરભોજનું રાજ્યારોહણ ઈ.સ. 835 અગાઉ થયું હશે તેવી માન્યતા છે. ઈ.સ. 835 પછી મિહિરભોજનો પ્રભાવ ગુર્જર દેશ પર વધતો ચાલ્યો. ઘણા ભાગોમાં તેણે સ્થિર રાજ્યતંત્ર સ્થાપી ખ્યાતી મેળવી. તેણે સૌરાષ્ટ્ર પર કબજો કર્યો. ઈ.સ. 864 પછીના દશકામાં મિહિરભોજ ઉત્તર ભારતમાં પોતાની સત્તા મજબૂત કરી. તેણે સિંધ પ્રદેશ સુધી પોતાની આણ ફેલાવી. ઉત્તર-પૂર્વ ભારતમાં તેણે બિહાર અને ઉત્તર બંગાળ સુધી વિજયો મેળવ્યા. ઈ.સ. 888માં તેનું મૃત્યુ થયું. તે સમયે તેનું સામ્રાજ્ય સિંધ-પંજાબથી બંગાળ સુધી અને ઉત્તરે બિહારથી દક્ષિણે નર્મદાતટ સુધી ફેલાયેલું હતું. મિહિરભોજની એક મહત્ત્વની સિદ્ધિ એ ગણાય છે કે તેણે શક્તિશાળી સામ્રાજ્ય સ્થાપી આરબોને હતોત્સાહ કર્યાં અને વિદેશી આક્રમણોને ખાળ્યાં. પરિણામે મિહિરભોજનું સ્થાન ઊંચું ગણાય છે.
ઈસવી છઠ્ઠી સદીમાં ગુર્જરદેશ (વલભી – સૌરાષ્ટ્ર- કચ્છ સહિત હાલનું ગુજરાત) તેમજ રાજપુતાના અને માળવા પ્રદેશોની સભ્યતા-ભાષા- રીતિરીવાજ- સમાજવ્યવસ્થામાં આશ્ચર્યજનક સામ્ય હતું. તે સમયે ગુજરાતમાં- તે કાળના ગુર્જર દેશમાં – સુદ્રઢ સમાજવ્યવસ્થા હતી. સમગ્ર ભારતવર્ષમાં સુનિયોજિત વર્ણવ્યવસ્થા હતી. એક વાત નોંધવી રહી કે બ્રાહ્મણો કુશળ રાજ્યકર્તાઓ પણ હતા. ગુર્જર દેશનો પ્રથમ ઉલ્લેખનીય રાજા હરિચંદ્ર બ્રાહ્મણ હતો. મશહુર ચીની મુસાફર યુઆન શ્વાંગ (ઉચ્ચારભેદ રહે છે: હ્યુ એન સંગ કે હુવેન શ્યાંગ)ની નોંધ પ્રમાણે ઉજ્જયિનીમાં રાજા બ્રાહ્મણ કુળના હતા. ઉલ્લેખપાત્ર વાત તો એ કે  દસમી સદીમાં વિધર્મી આક્રમણોનો સામનો કરનાર, મહંમદ ગઝની સામે લડનાર અફઘાનિસ્તાનના શાસકો બ્રાહ્મણ હતા
સોલંકી વંશ એટલે મૂળ ક્ષત્રિય કુળના ચાલુક્ય રાજાઓનો વંશ. ગુજરાતના ચાલુક્યો વિષે મતમતાંતર છે. સાચું પૂછો તો, ક્ષત્રિયો વિષે ભિન્ન ભિન્ન કથાઓ પ્રચલિત છે જ. એક દંતકથા પ્રમાણે આબુપર્વત પર મહર્ષિ વસિષ્ઠના અગ્નિકુંડમાંથી ચાર ક્ષત્રિય જાતિ પ્રગટ થઈ. અગ્નિકુંડમાંથી પ્રગટ થનાર પૃથ્વીધર નામે વીર પુરુષ દ્વારા પ્રતિહાર (પરિહાર = દ્વારપાળ) જાતિ અસ્તીત્વમાં આવી. બીજા વીરનું પ્રાગટ્ય બ્રહ્માના હાથની અંજલિ- ચુલુક-માંથી થયું તેમના દ્વારા ચાલુક્ય જાતી સર્જાઈ. ત્રીજા વીર પુરુષે શત્રુઓને મારીને પરમાર જાતિ સર્જી. ચોથા વીર પુરુષને ચાર હાથ હતા તેમની જાતિ ચાહમાન તરીકે ઓળખાઈ.


એક માન્યતા છે કે ચાલુક્યો મૂળ ઉત્તર ભારતના, પણ ચોથી સદીમાં દક્ષિણે જઈ વસ્યા. છઠ્ઠી-સાતમી સદીમાં ભારતવર્ષના બે મહાન સામ્રાજ્યો: ઉત્તરમાં ચક્રવતી સમ્રાટ હર્ષવર્ધનનું  અને દક્ષિણમાં ચાલુક્ય વંશના પુલકેશીનું. ચાલુક્ય પુલકેશી પહેલાએ દક્ષિણે વાતાપીમાં (હાલ મહારાષ્ટ્રના બીજાપુર જીલ્લાનું બાદામી) ચાલુક્ય વંશની રાજ્યસત્તા સ્થાપી. ચાલુક્યનરેશ પુલકેશીના વંશજોએ ગુજરાતના લાટ પ્રદેશ (નર્મદા તટનો દક્ષિણ ગુજરાતનો પ્રદેશ) પર પોતાની આણ ફેલાવેલી. તે પછી ચાલુક્યોની વંશાવલિ અસ્પષ્ટ છે.
ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના કરનાર મૂલરાજ સોલંકીના પૂર્વજો વિષે વિરોધાભાસી માહિતી છે. ગુજરાતના ઇતિહાસમાં સોલંકી યુગ સોનેરી અક્ષરોએ ઝળહળી ઊઠે છે. સોલંકી રાજ્યશાસનનો યુગ એટલે ગુજરાતનો સુવર્ણયુગ. દસમી સદીમાં ઉદય પામેલા સોલંકી શાસનનો સ્થાપક રાજવી મૂલરાજ સોલંકી હતો. મૂલરાજ સોલંકીના પૂર્વજો વિષે મતમતાંતર છે. પ્રચલિત મત પ્રમાણે મૂલરાજના પૂર્વજો મૂળ ઉત્તર ભારતના ચાલુક્યો. તેઓ કાન્યકુબ્જ (કનોજ) પ્રદેશના વતની. મૂલરાજ સોલંકીના પિતાનું નામ રાજી. રાજી કાન્યકુબ્જના પ્રતિહાર રાજાનો એક સામંત અને તે દક્ષિણ રાજપુતાનાના ગુર્જર દેશના કેટલાક પ્રદેશોનો અધિપતિ હતો.
એક વાયકા એવી છે કે રાજી સૌરાષ્ટ્રમાં સોમનાથની યાત્રાએ ગયેલો. વળતી યાત્રાએ તેનો મુકામ અણહિલવાડ (પત્તન કે અણહિલપુર પાટણ) ખાતે થયો. ત્યાં ચાવડા વંશના રાજા સામંતસિંહ (આખરી ચાવડા નરેશ)નું શાસન હતું. રાજીએ સામંતસિંહની બહેન લીલાદેવી સાથે લગ્ન કર્યાં. આ દંપતીનો પુત્ર તે મૂલરાજ સોલંકી. મૂલરાજનો જન્મ ઈ.સ. 915માં મૂલરાજે યુવાન વયે પિતાની સત્તા સંભાળી અને ઈ.સ. 942માં તો અણહિલવાડ (પાટણ) જીતી પોતાની ગાદી સ્થાપી. આમ, સરસ્વતી નદીના કિનારે સારસ્વતમંડલના પ્રદેશમાં મૂલરાજ સોલંકીનું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. આ સાથે ગુર્જરદેશમાં સોલંકી શાસનનાં પગરણ મંડાયાં.
હકીકતમાં, માલવદેશના રાજા ભોજ કે રાજા મુંજ કે દક્ષિણ ભારતના રાજ્યકર્તા તૈલપની સરખામણીમાં મૂલરાજનું રાજ્ય નાનકડું જ હતું. રાજપુતાનાના રણની દક્ષિણના પ્રદેશો – સિદ્ધપુર-પાટણ – પર તેની સત્તા. પાટણ તેની રાજધાની. મૂલરાજે ધીમે ધીમે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક પ્રદેશો પર સતા જમાવી અને પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો. આ રીતે, પાટણ પર મૂલરાજ સોલંકીએ સોલંકી વંશના શાસનનો પાયો નાખ્યો.
મૂલરાજ સોલંકીના સમયમાં અર્વાચિન ગુજરાતના પ્રદેશો માટે ‘ગુર્જર દેશ’ શબ્દ યથાર્થ રીતે પ્રચલિત થયો. મૂલરાજ સોલંકી ગુજરાતનો રાજા “ગુર્જરેશ્વર” કહેવાયો. આગળ જતાં આ વંશમાં ચક્રવર્તી નરેશ સિદ્ધરાજ જયસિંહ થઈ ગયો.
(આપે માન્યવર સાક્ષર કનૈયાલાલ મુનશી લિખિત સોલંકી વંશની  “પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ” આદિ લોકપ્રિય નવલકથાઓ વાંચી જ હશે. હવે ઇતિહાસના જ્ઞાન સાથે આપને તે કથાઓ ફરી વાંચવી ગમશે.)
મૂલરાજને તેના પુત્ર ચામુંડનું અમૂલ્ય પીઠબળ મળ્યું. પિતા-પુત્રએ પાટણની રાજ્યસત્તાને સુગઠિત કરી. સોલંકીયુગના ઉદય સાથે ગુજરાતમાં સુનિયોજીત રાજ્યતંત્ર ગોઠવાયું. ઈ.સ. 997માં મૂલરાજ સોલંકીનું અવસાન થયું. મૂલરાજ સોલંકી તથા તેના રાજ્યશાસનને સંબંધિત કથાઓ કવિરાજ મેરુતુંગના “પ્રબંધચિંતામણી” ઉપરાંત વિદ્વાન જૈન મુનિ હેમચંદ્રાચાર્યની કૃતિઓમાં આલેખાયેલ છે. હેમચંદ્રાચાર્યના મહાકાવ્ય “દ્વયાશ્રય”માં મૂલરાજ સોલંકીની પ્રશસ્તિ કરવામાં આવી છે. મૂલરાજ સોલંકી પરમ શિવભક્ત હતો. તેણે ઉત્તરથી ઔદીચ્ય બ્રાહ્મણોને આમંત્રણ આપી સારસ્વતમંડલમાં વસાવ્યા. સમય વીત્યે પાટણ વીદ્યા અને સંસ્કૃતિનું કેન્દ્ર બન્યું.
મૂલરાજ સોલંકીએ રુદ્ર મહાલયનું વિશ્વવિખ્યાત મંદિર બંધાવવું શરૂ કર્યું, પરંતુ તે કાર્ય તેના જીવનકાળ દરમ્યાન પૂર્ણ ન થઈ શક્યું.
આ તરફ, ગુજરાતમાં મૂલરાજની સત્તા પાંગરી રહી હતી ત્યારે માલવદેશમાં ધારાનગરીમાં રાજા મુંજ સત્તા પર આવ્યો. તેણે અનેક યુદ્ધો લડી રાજ્યની આણ અને શાનમાં વૃદ્ધિ કરી. તેણે પાટણની સત્તાને પણ છિન્નભિન્ન કરી નાખી મૂલરાજને રઝળતો કરી દીધો. તેણે દક્ષિણના બળવાન રાજા તૈલપ સાથે વારંવાર યુદ્ધો કર્યાં. તૈલપને હરાવ્યો પણ ખરો. માલવપતી મુંજ શક્રવર્તી રાજા તરીકે અને પ્રુથ્વીવલ્લભ તરીકે જાણીતો થયો. આખરે એક યુદ્ધમાં તૈલપે મુંજને હરાવ્યો. ઈ.સ. 995માં તૈલપે કેદ પકડેલા માલવપતી મુંજને હાથીના પગે મૃત્યુદંડ મળ્યો. મુંજના અવસાન પછી મૂલરાજ શાંતિથી ગુજરાતની ગાદી સંભાળી શક્યો.
મૂલરાજ સોલંકી કુનેહબાજ અને ચતુર રાજ્યકર્તા હતો. નાનકડા રાજ્યના મહાન રાજ્યકર્તા તરીકે મૂલરાજ સોલંકીનું ગુજરાતના ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન છે. અણહિલવાડ પાટણ અને ગુર્જર દેશને ગરિમા બક્ષનાર સોલંકી વંશના સ્થાપક તરીકે મૂલરાજ સોલંકીની નામના અમર રહેશે.
સોલંકી વંશના સ્થાપક પાટણપતી મૂલરાજ સોલંકીનો પુત્ર ચામુંડ. ઈ.સ. 996-997 માં પાટણની ગાદી પર ચામુંડનો રાજ્યાભિષેક થયો. તેણે આશરે ઈ.સ. 996થી ઈ.સ. 1009 સુધી – એમ 13 વર્ષ રાજ્ય કર્યું. ચામુંડને ત્રણ પુત્રો – વલ્લભરાજ, દુર્લભરાજ તથા નાગરાજ. નાગરાજનો પુત્ર ભીમદેવ પહેલો. ભીમદેવનો પુત્ર કર્ણદેવ. કર્ણદેવનો પુત્ર સિદ્ધરાજ જયસિંહ. ઇતિહાસની કેટલીક કથાઓ સ્વીકારીએ તો ચામુંડ અને તેના વંશજો, તેમના રાજ્યકાળમાં મહદ અંશે માલવનરેશના આધિપત્યમાં માલવદેશના માંડલિક તરીકે રહ્યા.
પાટણની ગાદી પર ચામુંડ અને તેના વારસદારોની આણ હતી તે અરસામાં માલવદેશમાં ધારાનગરી પર સિંધુરાજ તથા મહાપ્રતાપી, દાનેશ્વરી, મહાવિદ્વાન રાજા ભોજની સત્તા અજેય રહી. તૈલપ દ્વારા માલવપતી મુંજને મૃત્યુદંડ અપાયા પછી ધારાની ગાદી તેના ભાઈ સિંધુરાજના હાથમાં આવી. ચામુંડે સિંધુરાજના સામર્થ્યને પડકારવા કેટલાક નિષ્ફળ પ્રયત્નો કર્યા હોવાનું નોંધાયું છે. ચામુંડના યુવાન પુત્ર વલ્લભરાજે માળવા પર ચડાઈ કરી સિંધુરાજને કાબુમાં કર્યો હોવાની વાત પણ નોંધાઈ છે. વલ્લભરાજ અલ્પાયુ ભોગવી મૃત્યુ પામ્યો, ત્યારે ચામુંડનો નાનો પુત્ર દુર્લભરાજ સત્તા પર આવ્યો. દુર્લભરાજે ઈ.સ. 1009થી ઈ.સ. 1022 સુધી રાજ્ય કર્યું.
ઈ.સ. 1010માં સિંધુરાજનો પુત્ર ભોજ માલવનરેશ તરીકે ધારાનગરીની ગાદી પર બેઠો. અગિયારમી સદીના ઉદયકાળની આ વાત છે. ત્યારે ભારતવર્ષ પર વિદેશી સત્તાઓનાં આક્રમણ બરબાદી અને ત્રાસ વર્તાવી રહ્યાં હતાં. અત્યાચાર અને ખુનામરકીના સહારે ભારતમાં લૂંટફાટ તેમનો મુખ્ય હેતુ રહ્યો. આવા આક્રમણખોરી સરદારો ઉત્તર ભારતને ધમરોળતા રહ્યા. તેમાં ઇતિહાસકારોએ મહમુદ ગઝનીનું નામ મોખરે મૂક્યું છે.
અગિયારમી સદીના ઉદયકાળે કેટલીક મહત્ત્વની ઘટનાઓ બની.
વાયવ્ય સરહદેથી મહમુદ ગઝનીનાં આક્રમણો ભારતવર્ષને ધ્રુજાવવા લાગ્યાં. આ સમયે વિદેશી સરદારોને મર્યાદામાં રાખનાર ભારતવર્ષમાં બે મહાન સામ્રાજ્યો હતાં : મધ્યભારતમાં માલવપ્રદેશ અને દક્ષિણ ભારતમાં તાંજોર પ્રદેશમાં ચોળ (ચોલ) સમ્રાજ્ય.


અગિયારમી સદીના ઉદય સાથે તાંજોર અને માલવપ્રદેશ સત્તા અને શક્તિની દૃષ્ટિએ પ્રબળ બનતાં ગયાં. દક્ષિણ ભારતમાં કર્ણાટક પ્રદેશમાં તૈલપના વંશજોના શાસનની પડતી થતી ગઈ ત્યારે તાંજોરના ચોળ રાજાઓની સત્તા ફેલાતી ગઈ. દક્ષિણમાં કૃષ્ણા-તુંગભદ્રાથી માંડીને કન્યાકુમારી સુધી ચોળ શાસન સ્થાપનાર તાંજોરનરેશ રાજરાજ રાજકેસરી (ઈ.સ. 985-ઈ.સ. 1014) તે યુગનો સૌથી સમર્થ ભારતીય રાજવી હતો.
તેના પછી તેનો પુત્ર રાજેન્દ્ર પરકેસરી સત્તા પર આવ્યો. તેણે ઈ.સ. 1044 સુધી રાજ્ય કર્યું. દક્ષિણના તાંજોરના આ મહાપ્રતાપી સમ્રાટે છેક ઉત્તર-પૂર્વ ભારત સુધી આણ ફેલાવી. આ જ અરસામાં માલવપ્રદેશ પર દાનેશ્વરી રાજા ભોજની સત્તા સોળે કળાએ તપવા લાગી. રાજા ભોજ ( ઈ.સ. 1010 – 1050 ?) શૂરવીર, દાનવીર, જ્ઞાની રાજા હતો. તેનો રાજ્યકાળ ચાલીસથી પચાસ વર્ષનો મનાય છે. તેના રાજ્યકાળમાં વિદ્યાધામ તરીકે ધારાનગરીની કીર્તિ દેશ-વિદેશમાં પ્રસરી. ભોજ પરાક્રમી રાજા ઉપરાંત અઠંગ રાજનીતિજ્ઞ હતો. તેણે રાજનીતિના ચતુર દાવ ખેલી માલવપ્રદેશને સ્થિર શાસન આપ્યું.

હવે ગુજરાતની વાત.
ઈ.સ. 1022માં દુર્લભરાજનું મૃત્યુ થતાં તેના નાના ભાઈ નાગરાજનો પુત્ર ભીમદેવ પહેલો અણહીલવાડ (પાટણ)ની ગાદી પર આવ્યો. મહત્ત્વની વાત એ કે વર્ષો સુધી સોલંકીવંશના આ રાજાઓ માલવપ્રદેશની શેહમાં રહ્યા. યુવાન માલવસમ્રાટ ભોજનો પાટણનરેશ ભીમદેવ પર ઘણો પ્રભાવ હતો. ગુજરાતના આનર્ત, ખેટક અને મહી કાંઠાના પ્રદેશો માલવદેશની સત્તા તળે હતા. આમ છતાં, પાટણ અને સૌરાષ્ટ્ર સમૃદ્ધ હતાં. ગુજરાતની આ સમૃદ્ધિની વાતો દેશ-વિદેશમાં પ્રસરતી હતી. ભીમદેવને પાટણની ગાદી સંભાળ્યે બેત્રણ વર્ષ થયાં હશે અને મહમુદ ગઝનીએ ગુજરાત પર ચઢાઈ કરી.
મહમુદ ગઝની મૂળ તો ભારતની વાયવ્ય સરહદે પહાડી પ્રદેશોના રાજ્ય ગઝનીનો અધિપતિ. ભાઈ સાથે દગો કરી રાજગાદી પર આવેલો. મક્કમ મનોબળ, નિર્દયી અને  સાહસવૃત્તિવાળો એ નીતિનિયમોને નેવે મૂકી સત્તાનો વ્યાપ કરતો ગયો. મધ્ય એશિયાના પ્રદેશો જીતી તેણે ભારત પર નજર દોડાવી. જોતજોતામાં મહમુદ ગઝનીની ક્રૂર એડીઓ તળે ઉત્તર ભારત કચડાવા લાગ્યું.

પ્રભાસપાટણ સોમનાથની સમૃદ્ધિની વાતો જગતભરમાં ફેલાઈ હતી. પ્રભાસ તે સમયે ભારતવર્ષના પશ્ચિમ કિનારાનું અગત્યનું બંદર હતું. અહીંથી આફ્રિકા અને ચીન સાથે દરિયાઈ વ્યાપાર ચાલતો. સોમનાથ ભારતવર્ષનું પ્રમુખ યાત્રાધામ હતું. સોમનાથના પ્રાચીન શિવમંદિરનાં દર્શને રોજ હજારો યાત્રાળુઓ આવતાં. મંદીરની આવક લાખોમાં ગણાતી. કહે છે કે મંદિરમાં 200 મણની સોનાની સાંકળ હતી.. તેને બાંધેલા સોનાના ઘંટોથી પ્રચંડ ઘંટારવ થતો ! મંદિરનું હીરા-માણેક-રત્નજડિત ગર્ભગૃહ ઝળાંહળાં  રહેતું. ભગવાન શિવની મૂર્તી રત્નોના પ્રકાશથી રાત્રિના અંધકારમાં ઝગમગી ઊઠતી. ઈ.સ. 1025નો ઓક્ટોબર મહિનો. મહમુદ ગઝની ગુર્જરદેશ પર આક્રમણ કરવા જંગી લશ્કરી તાકાત સાથે નીકળ્યો. તેના લશ્કરમાં 30000 જેટલા ઘોડેસ્વારો હતા. રણની મુસાફરી હોવાથી પાણીનું વહન કરતાં 30000થી વધારે ઊંટ સાથે હતાં.
મહમુદ મુલતાન થઈ આબુ-પાલણપુરના રસ્તે અણહીલપુર પાટણ પહોંચ્યો. પાટણનરેશ ભીમદેવ પહેલો તેનો સામનો કરી શકે તેમ ન હતો. તે ભાગી છૂટ્યો. પાટણના સૈન્યને હરાવી મહમુદ પ્રભાસપાટણ સોમનાથ તરફ વળ્યો. મહમુદ ગઝની ઈ.સ. 1026ના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પ્રભાસપાટણ સોમનાથ પહોંચ્યો. શહેરને ફરતો કિલ્લો હતો. ગઝનીના લશ્કરે તેના પર હુમલો કર્યો. બહાદૂર યોદ્ધાઓએ શહેરની રક્ષા કરવા મરણિયા પ્રયત્નો કર્યા. ત્રણ દિવસમાં પચાસ હજાર વીર લડવૈયાઓએ ભગવાન સોમનાથની રક્ષા કરતાં પ્રાણ પાથર્યા. પ્રભાસનું પતન થયું. મહમુદ ગઝનીના લશ્કરે શહેર લૂંટ્યું. તેણે સોમનાથ મંદિરને તોડી તેનો નાશ કર્યો; તેની અમૂલ્ય સંપત્તિ લૂંટી લીધી. વીસ લાખ દીનાર જેટલી જંગી લૂંટ સાથે મહમુદ રણના રસ્તે નાઠો. કેટલાક ભારતીય રાજાઓએ તેનો પીછો કરી તેના માટે ભારે મુશ્કેલીઓ ઊભી કરી, પરંતુ તે ગઝની પહોંચી ગયો. તે પછી તેણે ક્યારેય ભારતવર્ષ પર આક્રમણ ન કર્યું. ઈ.સ. 1030માં મહમુદ ગઝનીનું મૃત્યુ થયું.
ભીમદેવ પહેલાએ થોડો વખત રાજ્ય બહાર રહી, ફરી પાટણને સંભાળ્યું. કહે છે કે ભીમદેવ તથા માલવનરેશ ભોજે સાથે મળીને સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. સોમનાથના ભવ્ય પાષાણ મંદિરનું પુન:નિર્માણ થયું. તેના સમયમાં મોઢેરામાં સૂર્યમંદિર બંધાયું. આબુના દંડનાયક વિમલ મંત્રીએ આબુ પર ભગવાન આદિનાથનું આરસનું દેરાસર બંધાવ્યું. ભીમદેવ પહેલાએ આશરે 42 વર્ષ રાજ્ય કર્યું. (ઈ.સ. 1022 – 1064).


ભીમદેવના સ્વર્ગવાસ પછી તેનો પુત્ર કર્ણદેવ ગાદી પર આવ્યો. (ઈ.સ. 1064 – ઈ.સ. 1074). કર્ણદેવે દક્ષિણમાં લાટપ્રદેશ પર વિજય મેળવી પાટણની સત્તાને કોંકણના સીમાડા સુધી પહોંચાડી. કર્ણદેવે ગોવાપ્રદેશની કદંબકન્યા મીનળદેવી સાથે લગ્ન કર્યાં. તે સમયમાં ઉત્તરે સારસ્વત મંડલ તથા દક્ષિણે ખેટક મંડલની વચ્ચે – એટલે હાલના અમદાવાદની આસપાસના પ્રદેશમાં – ગાઢાં જંગલો હતાં જ્યાં ભીલ સમુદાયો વસતા. આશાપલ્લી (હાલ અસલાલી) નામે ઓળખાતા આ દુર્ગમ પ્રદેશમાં ભીલ રાજા આશા ભીલનું રાજ્ય હતું. કર્ણદેવે તેને હરાવી આશાપલ્લીની પાસે કર્ણાવતી શહેર વસાવ્યું. (ચાર-પાંચ સદી પછી અહીં અહમદશાહ બાદશાહે અમદાવાદ શહેર વસાવ્યું). આ ઉપરાંત કર્ણદેવે અન્ય નગર, તળાવ અને મંદિરો પણ બંધાવ્યાં. કર્ણદેવ સાહિત્યપ્રેમી રાજા હતો.
કર્ણદેવના જીવનના ઉત્તરાર્ધમાં જ્યારે રાજ્ય પર તેની સત્તા ઢીલી પડતી ગઈ, ત્યારે તેની રાણી મીનળદેવીએ પાટણને સંભાળવાની જવાબદારી ઉપાડી. કર્ણદેવ અને મીનળદેવીનો પુત્ર અને પાટણનો યુવરાજ જયસિંહ ત્યારે હજુ કિશોર અવસ્થામાં હતો. ગુજરાતના મહાન ચક્રવર્તી રાજા સિદ્ધરાજ જયસિંહ નું રાજ્યારોહણ.
ગુજરાતનો મહાન ચક્રવર્તી રાજા સિદ્ધરાજ જયસિંહ.
માંડલિકો માટે મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહ. ઇતિહાસકારોની દૃષ્ટિએ ત્રિભુવનગંડ, અવંતીનાથ, સિદ્ધ ચક્રવર્તી શ્રી જયસિંહ દેવ. જયસિંહના દાદા ભીમદેવને ત્રણ રાણીઓ હતી તેવી કથા છે. તેમાંથી બે મુખ્ય: વણિકરાણી બકુલાદેવી (બઉલાદેવી) અને રજપૂત રાણી ઉદયમતી. ઉદયમતી સૌરાષ્ટ્રના રાજા નરવાહન ખેંગારની કુંવરી. બકુલાદેવીનો પુત્ર ક્ષેમરાજ તથા ઉદયમતીનો પુત્ર કર્ણદેવ. ભીમદેવના મૃત્યુ સમયે ઉદયમતીનો પિયરપક્ષ પ્રભાવી રહ્યો. ફલત: ઉદયમતીના કુમાર કર્ણદેવને ગાદી મળી.
કર્ણદેવ અને મીનળદેવીનો પુત્ર તે જયસિંહ. કર્ણદેવના અંતકાળે ગુર્જર દેશની શાન ઝાંખી પડી હતી અને તેની સત્તા અને વ્યાપમાં ઘટાડો થયો હતો. કર્ણદેવનું અવસાન થયું ત્યારે જયસિહ હજી કુમારાવસ્થામાં હતો. ઈ.સ. 1096માં પાટણની ગાદી પર જયસિંહનો રાજ્યાભિષેક થયો. જયસિંહ પર સૌથી વિશેષ પ્રભાવ રાજમાતા મીનળદેવીનો હતો. મીનળદેવીએ બાળરાજા જયસિંહનું સર્વાંગી ઘડતર કર્યું. જયસિંહના સમર્થ રાજવી તરીકેના વિકાસમાં રાજમાતા પ્રેરક શક્તિ બની રહી. વિચક્ષણ અમાત્યોએ પણ જયસિહના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો. જયસિંહે પાટણની ધુરા સંભાળી અને એક ઘા થયો.
માળવાનરેશ નરવર્માએ પાટણ પર આક્રમણ કર્યું. તે સમયે પાટણનો વહીવટ સાન્તુ મંત્રી નામના બાહોશ મંત્રી પાસે હતો. તેમણે પાટણને બચાવવા ખંડણી આપી અને નરવર્માને પ્રસન્ન કરી પરિસ્થિતિ સાચવી લીધી. પરંતુ માળવાનો આ ઘા જયસિંહના મનમાં હંમેશા સમસમતો રહ્યો. સિદ્ધરાજ જયસિંહને બાળવયે પાટણની ગાદી સંભાળવાની આવી. આ એક મોટો પડકાર હતો. વળી રાજકીય પરિસ્થિતિ ધુંધળી હતી અને વંશીય ખટપટો પણ અતાગ હતી. ત્યારે રાજમાતા તથા મંત્રીઓ-અમાત્યોની સલાહ પ્રમાણે રાજાએ દોરવાવાનું હતું. કોઈ પણ રાજવી માટે આવા સંજોગો હતાશા પ્રેરે અને તેમાં રાજાની નિર્બળતાઓ અને નિષ્ફળતાઓ ઓર સમસ્યારૂપ બને. સ્વાભાવિક છે, કેટલાક જાણકારો પણ સિદ્ધરાજને નિર્બળ રાજવી તરીકે મૂલવવાની ભૂલ કરી બેસે છે.
સિદ્ધરાજનાં રાજ્યકાળનાં શરૂઆતનાં વર્ષો કસોટીરુપ નીવડ્યાં.
સિદ્ધરાજની અપાર સમસ્યાઓનો દોર લગભગ દશકા સુધી ચાલ્યો …..
કિશોરાવસ્થામાંથી યુવાનીમાં પ્રવેશતાં સિદ્ધરાજનું વ્યક્તિત્વ નવો ઓપ પામતું ગયું. સિદ્ધરાજ જયસિંહે પ્રથમ તો દ્રઢતાપૂર્વક રાજ્યના આંતરિક દાવપેચનાં સમીકરણો સુલઝાવ્યાં. સગાંઓના સ્વાર્થી કાવાદાવાઓને સખત હાથે દાબીને પોતાની આવડતનો અને હિંમતનો પરિચય આપ્યો. ખટપટી રાજદરબારીઓને યેનકેન પ્રકારેણ ભરડામાં લઈ ચૂપ કર્યા. આમ, સિદ્ધરાજે પોતાની રાજકીય કુનેહ અને કાબેલિયત બતાવી તથા રાજ્યકારભાર પર પોતાની પકડ મજબૂત કરી. સાથે જ, ગુર્જર દેશે જે નજીકના પ્રદેશો પર પ્રભાવ ગુમાવ્યો હતો તે પ્રદેશો પર સિદ્ધરાજ જયસિંહે ફરી પોતાની આણ ફેલાવી. સત્તા પર આવ્યા પછી માત્ર દસ જ વર્ષમાં સિદ્ધરાજની સત્તા ઠેઠ ખંભાત સુધી વિસ્તાર પામી.
આ જાણ્યા પછી કોણ કહેશે કે સિદ્ધરાજ નબળો રાજા હતો? ઈ.સ. 1108 સુધીમાં સિદ્ધરાજ જયસિંહની સત્તા ઉત્તર ગુજરાતમાં સ્થિર બની. એક સ્વતંત્ર રાજ્યના સમર્થ સર્વસત્તાધીશ રાજવી તરીકે તેણે ‘મહારાજાધિરાજ પરમેશ્વર’નું બિરુદ ધારણ કર્યું. તે પછી તેણે એક અન્ય મહાન વિજય (વીગતો અપ્રાપ્યવત્ અથવા અસ્પષ્ટ) પ્રાપ્ત કરી ‘ત્રિભુવનગંડ’નું બિરુદ મેળવ્યું.



અગિયારમી સદીનો ચોથો દશકો. ગુર્જરદેશની રાજધાની પાટણ. સમગ્ર નગર મહા ઉત્સવના એંધાણે થનગની રહ્યું છે. પાટણનરેશ સિદ્ધરાજ જયસિહે માળવા પર ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. કટ્ટર શત્રુ માલવનરેશને હરાવી મહારાજાએ અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે. ગુર્જરનરેશ આજે મહાન વિજેતા બનીને પાટણમાં પ્રવેશી રહ્યો છે. ભારે ધામધૂમથી સત્કારની તૈયારીઓ થઈ છે. મંત્રીઓ, બહુશ્રુત વિદ્વાનો અને પ્રતિષ્ઠિત નગરજનો પાટણને પાદરે પહોંચ્યાં છે. વિદ્વાન પંડિતગણની મોખરે છે અઢારેક વર્ષનો એક તેજસ્વી જણાતો યુવાન સાધુ. હળવા પગે આગળ વધી યુવાન સાધુ ગુર્જર નરેશને અભિનંદન અને આશીર્વાદ આપે છે. મહારાજા નમ્રતાપીર્વક આશીર્વાદ સ્વીકારી સાધુના પ્રખર તેજોમય વ્યક્તિત્વને ક્ષણમાત્રમાં પરખી લે છે. તે મહાતેજસ્વી યુવાન સાધુનું નામ હેમચંદ્ર.
હેમચંદ્ર શ્વેતાંબર જૈન સંપ્રદાયના અતિ આદરણીય સાધુ. આઠ વર્ષની ઉંમરે દીક્ષા અને માત્ર વીસ વર્ષે ‘સૂરી’પદ. આ અલભ્ય સિદ્ધિને પ્રતાપે હેમચંદ્ર પાટણના સમાજમાં પૂજનીય બન્યા. પ્રથમ મુલાકાતમાં જ પ્રભાવિત થયેલા મહારાજા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને રાજ્યાશ્રય આપ્યો. સિદ્ધરાજની પ્રેરણાથી હેમચંદ્રાચાર્યે પ્રસિદ્ધ વ્યાકરણગ્રંથ ‘સિદ્ધ-હેમ’ની રચના કરી. તે પછી હેમચંદ્રાચાર્યે ‘દ્વયાશ્રય’ નામક મહાકાવ્યની રચના કરી. તે મહાકાવ્યમાં સિદ્ધરાજ જયસિંહ તથા તેના ચૌલુક્ય (ચાલુક્ય અથવા સોલંકી) કુળનાં યશોગાન છે. સિદ્ધરાજ જયસિંહની યશસ્વી ઉપલબ્ધીઓ તથા કીર્તિવંત કારકિર્દીના પરિચય માટે હેમચંદ્રાચાર્યનું સાહિત્ય આધારભૂત ગણાય છે. તેમાંથી સિદ્ધરાજના વ્યક્તિત્વની બહુવીધ ખૂબીઓ પ્રગટ થાય છે. ઉપરાંત તેમાંથી સિદ્ધરાજ જયસિંહના રાજ્યકાળની સિદ્ધિઓ તેમ જ ગુર્જર દેશની ગરિમાની ઝાંખી થાય છે.